સારંગપુર , ગુજરાત

અતુલ ઈન્ડિયા મૂવીઝના બેનર હેઠળ નિર્માણ પામી રહેલી ગુજરાતી સિનેમાની પ્રથમ પાન-ઈન્ડિયા ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ના ફર્સ્ટ લુક પોસ્ટરનું આજે પવિત્ર યાત્રાધામ સારંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દિવ્ય ચરણોમાં શુભ અનાવરણ કરવામાં આવ્યું છે. દાદાના આશીર્વાદ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ફિલ્મની ટીમે ભવ્ય સફળતા માટે પ્રાર્થના કરી હતી.  

ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં એક નવું પ્રકરણ આલેખવા જઈ રહેલી આ ફિલ્મ ગુજરાતી ઈન્ડસ્ટ્રીને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવશે. અતુલ એમ. બોસામિયા નિર્મિત આ મહત્વાકાંક્ષી ફિલ્મ માત્ર ગુજરાતી જ નહીં, પરંતુ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી એમ કુલ સાત ભારતીય ભાષાઓમાં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.  

દક્ષિણ ભારત અને ગુજરાતના સિનેમેટિક કૌશલ્યના અનોખા સંગમ સમી આ ફિલ્મનું લેખન અને નિર્દેશન એવોર્ડ વિજેતા તમિલ ફિલ્મમેકર શબરીનાથન મુથુપાંડિયન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જાણીતા કલાકારો અર્પિત રાંકા અને મૌલિક ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય, પ્રખ્યાત સિનેમેટોગ્રાફર સુભાષ દંડાપાણી અને કન્નડ ઈન્ડસ્ટ્રીના સંગીતકાર અભિનંદન કશ્યપ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે.  

શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિના દિવ્ય વિષય વસ્તુ પર આધારિત ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ આગામી રામ નવમી ૨૦૨૭ના પવિત્ર અવસરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *